મુક્ત તે થાય છે જે આપીને જાય છે.

મુક્ત તે થાય છે જે આપીને જાય છે.
       
આપણી મુક્તિ આપણી અંદર પડેલી છે. મુક્ત થવા માટે આપણે બહાર ફાંફા મારવાની જરૂર નથી. દરેક માણસની અંતિમ ખોજ આ મુક્તિની ખોજ હોય છે. માણસ મુક્તિનો ઉપાસક છે. પરંતુ આપણાંમાંથી બહુ ઓછાં એ જાણી શકે છે કે, મુક્તિ એટલે શું? જન્મથી માંડીને જીવનના છેલ્લાં શ્વાસ સુધી આપણે કશાક ને કોઈકમાંથી મુક્ત થવા તલપાપડ હોઈએ છીએ. ક્યારેક આપણે કોહવાઈ ગયેલાં સંબંધોમાંથી મુક્તિ ઝંખીએ છીએ તો ક્યારેક ના-છૂટકે કરવાં પડતાં કામોમાંથી મુક્તિ માટે ફાંફાં મારીએ છીએ. જીવનના અંત લગ ક્યાંયે એક ઠેકાણે આપણું મન ઠરતું નથી. જેવું કશું, કાંઈ મળે છે કે બીજા નવાની, અજ્ઞાત પ્રાપ્તવ્યની ઝંખના ઊભી થઈ જાય છે. શું તમને લાગે છે કે જીવનની છેલ્લી ક્ષણે તમે બધાં સંબંધો, વૃત્તિઓ, ઈચ્છાઓ ને વિકારોમાંથી મુક્ત થઈને મરશો? તમારાંમાંથી ઘણાં કહેશે : 'મુક્ત થવું જ શા માટે?' બંધાઈ રહેવાનો પણ એક આનંદ હોય છે. આ જુઓને આપણે આપણી મોંઘીદાટ ગાડીઓ, મોંઘા મકાનો અને ધર્મની દીવાલોમાં કેવાં આરક્ષિત છીએ. વાત તો સાચી છે. કોઈને કોઈ વૃત્તિ, વ્યક્તિ કે વિકારમાં આપણું ચિત્ત સંડોવાશે નહીં તો આપણાં કોહવાઈ જવાની કે કરમાઈ જવાની શક્યતાઓ સો-ટકા છે. પણ યાદ રાખવા જેવું તો એ છે કે આ જાહોજલાલીમાં બંધાઈ રહેવાનો આનંદ તમારામાં એક તબક્કે કોહવાટની દુર્ગંધ ફેલાવશે અને એ જ ગંધ તમે બીજા સુધી પણ જાણે-અજાણ્યે પહોંચાડશો. મુક્તિની ઈચ્છા જ આપણાં જીવનનો મર્મ છે ને મુક્તિની પ્રાપ્તિ આપણાં જીવનનો અર્ક. જે માણસ મુક્ત થઈ શકે છે તેને બધું જ પ્રાપ્ત થતું હોય છે. કામના બાંધે છે. કામના તમને કાદવમાં રગદોળે છે. જ્યારે મુક્તિ તમામ બંધનોના આવરણોથી મુક્ત કરીને તમને એક એવી સવારનો સૂર્ય બતાવશે જ્યાં તમે કોઈ પણ ભય વિના વિહાર કરી શકશો. મુક્તિનો એક પર્યાય હું 'નિર્ભય' કરું છું. યાદ રાખજો, આ સંસારની ભુલભુલામણીવાળી અનેકરંગી માયાજાળમાંથી એ જ માણસ મુક્ત થઈ શકશે જે નિર્ભય છે. આ નિર્ભય થવા માટે ચિત્તને શાંત પાડવું ખૂબ જરૂરી છે. એ જ વ્યક્તિ નિર્ભય હોય છે જે શાંતચિત્ત છે. અને જે શાંતચિત્ત છે તે જ સ્થિરચિત્ત છે અને તે જ નિર્ભયી છે. નિર્ભયી માણસને એક જ વાતનો ડર હોય છે અને તે છે સ્વયંની નજરમાં ખુદને સાબૂત રાખવાનો. નિર્ભયી માણસ હંમેશા એક જ ધ્યાન ધરે છે : 'હું મારી પોતાની નજરમાં નીચો ના પડું.' જેને સ્વયંની બીક લાગતી હોય એ કોઈથી ડરતો નથી. જેને પોતાની જાતનું જ ભાન નથી એ જ માણસો દુનિયામાં ડર પેદા કરવાનું કામ કરતાં હોય છે. તમારે સંસારની માયાજાળમાંથી મુક્ત થવું હશે કે સંસારની પીડાઓમાંથી મુક્તિ જોઈતી હશે તો પણ તમારે બીજાઓના સારાસારનો વિચાર કરવો પડશે. ખુદને ગમવા માટે બીજાઓને ગમાડવા જરૂરી હોય છે. સ્વયંને સમજવા માટે બીજાઓને સમજવા જરૂરી હોય છે. જો તમે તમારી અંતિમ પળ સુખદ ઈચ્છતા હો તો બીજાઓના સુખદુ:ખનો આજથી જ વિચાર કરો. જેમ જેમ અન્યને માટે જીવવા પ્રયત્ન કરશો તેમ તેમ તમને તમારી મુક્તિ નજીક આવતી દેખાશે. જીવવાની સાચી મજા તો આપવામાં છે. એટલે તો આપણી ભાષામાં 'આપ-લે' શબ્દ બહુ પ્રચલિત છે. જે આપી જાણે છે તે જ લઈ,મેળવી જાણે છે. નિર્ભયી તે છે, જે આપે છે. ડરપોક તે છે, જે લે છે. મુક્તિ હંમેશાં આપનારને મળે છે. બંધન લેનાર, ઝૂંટવી લેનારના કપાળે ભાગ્યની કદરૂપી રેખા જેમ કાયમનું ઢીમચું કરી બેસે છે. મુક્ત થવું હોય તો દુનિયાને કશુંક આપીને જજો. નહીં તો બીજા જન્મ કે બીજા અવતાર તમારાં આવવાની રાહ જોઈને જ બેઠાં છે. મુક્ત તે થાય છે જે આપીને જાય છે.
✍🏻- અવળી ભાષાનો બોલનારો

Comments